Skip to content
દારિયેલ ૩:૮-૧૮

દારિયેલ ૩:૮-૧૮

૮
હવે તે સમયે કેટલાક ખાલદીઓ રાજાની પાસે આવ્યા અને તેઓએ યહૂદીઓ સામે આરોપ મૂક્યો.
૯
તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.”
૧૦
તમે એવો હુકમ ફરમાવ્યો કે, દરેક માણસ કે જે રણશિંગડાં, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
૧૧
જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સોનાની મૂર્તિની પૂજા નહિ કરે, તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.
૧૨
હવે કેટલાક યહૂદીઓને જેને આપે બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે; તેમનાં નામ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો છે. હે રાજા, આ માણસોએ આપની વાતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ તમારા દેવોની સેવા કરતા નથી કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા કરતા નથી.”
૧૩
ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા.
૧૪
નબૂખાદનેસ્સારે તેઓને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, શું તમે મનમાં નક્કી કર્યું છે કે, તમે મારા દેવોની ઉપાસના અને મેં સ્થાપન કરેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરો?
૧૫
હવે જો તમે રણશિંગડાં, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો, તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે?”
૧૬
શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ રાજાને જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી.
૧૭
જો કોઈ જવાબ હોય તો, તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે, હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે.
૧૮
પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા તમે જાણી લો કે, અમે તમારા દેવોની સેવા નહિ કરીએ કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરીએ.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0