પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૬-૨૫
૧૬
કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
૧૭
¶ પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
૧૮
તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
૧૯
મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
૨૦
જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;
૨૧
ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
૨૨
હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;
૨૩
માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.
૨૪
પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
૨૫
હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ.
Settings