Skip to content
2 રાજઓ ૬:૨૪-૩૩

2 રાજઓ ૬:૨૪-૩૩

૨૪
ત્યાર પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરુનને ઘેરી લીધું.
૨૫
સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.
૨૬
ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”
૨૭
તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?”
૨૮
પછી રાજાએ તેને પૂછ્યું, “તને શું દુઃખ છે?” પેલી સ્ત્રીએ કહ્યું, “આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતી કાલે ખાઈશું.’
૨૯
માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.”
૩૦
જ્યારે રાજાએ આ સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. હવે રાજા નગરના કોટ પરથી જતો હતો તો લોકોએ જોયું, કે રાજાએ તેના અંગ પર શોકનાં વસ્ત્રો પહેર્યાં હતાં.
૩૧
પછી તેણે કહ્યું, “જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવાહ મને એવું અને એ કરતાં વધારે વિતાડો.”
૩૨
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’
૩૩
તે હજી તો તેમની વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશાવાહક તેની પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું, “જુઓ, આ વિપત્તિ યહોવાહ તરફથી આવી છે. તો શા માટે હું હવે પછી યહોવાહની રાહ જોઉં?”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options