1 રાજઓ ૨૧:૧-૧૯
૧
¶ ત્યાર બાદ એવું બન્યું કે, યિઝ્રએલી નાબોથ પાસે યિઝ્રએલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે એક દ્રાક્ષવાડી હતી.
૨
આહાબે નાબોથને કહ્યું, “તારી દ્રાક્ષવાડી મારા મહેલ પાસે હોવાથી તે તું મને આપ. જેથી હું તેને શાકવાડી બનાવું. અને તેના બદલામાં હું તને બીજી સારી દ્રાક્ષવાડી આપીશ અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા ચૂકવીશ.
૩
¶ પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવાહ થવા દો નહિ.”
૪
તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.
૫
¶ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને કહ્યું, “તું આટલો બધો ઉદાસ કેમ થયો છે? તેં ખાવાની પણ ના પાડી?”
૬
તેણે તેને કહ્યું, “યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, ‘પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષવાડી આપીશ. પણ તેણે કહ્યું, “હું મારી દ્રાક્ષવાડી તને નહિ આપું.’
૭
તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડી હું તને અપાવીશ.”
૮
¶ પછી આહાબને નામે ઇઝબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા.
૯
તેણે પત્રમાં લખ્યું કે, “ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.”
૧૦
સભામાં બે અપ્રામાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો.
૧૧
¶ તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝબેલે, પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યુ.
૧૨
તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડયો.
૧૩
પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.
૧૪
પછી તેઓએ ઇઝબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.”
૧૫
¶ તેથી જયારે ઇઝબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”
૧૬
જયારે આહાબે સાંભળ્યું કે, નાબોથ મૃત્યુ પામ્યો છે ત્યારે તે ઊઠીને યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો.
૧૭
¶ ત્યાર બાદ તિશ્બીના પ્રબોધક એલિયા પાસે યહોવાહનું વચન આવ્યું,
૧૮
“ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો છે.
૧૯
¶ તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’
Settings