લૂક ૧૬:૧૯-૩૧
૧૯
¶ એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.
૨૦
લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.
૨૧
શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
૨૨
¶ પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.
૨૩
પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.
૨૪
¶ તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.
૨૫
¶ પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.
૨૬
વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
૨૭
¶ તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,
૨૮
કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
૨૯
¶ પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.
૩૦
અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.
૩૧
અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”
Settings