ઊત્પત્તિ ૯:૧-૧૭
૧
¶ પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
૨
પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
૩
¶ પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
૪
પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
૫
¶ હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
૬
જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
૭
તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”
૮
¶ પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
૯
“હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
૧૦
અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
૧૧
¶ તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
૧૨
¶ ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
૧૩
મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
૧૪
¶ જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
૧૫
ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
૧૬
¶ મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
૧૭
¶ પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
Settings