Skip to content
હઝકિયેલ ૨૮:૧૨-૧૯

હઝકિયેલ ૨૮:૧૨-૧૯

૧૨
“હે મનુષ્યપુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો.
૧૩
તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
૧૪
તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો.
૧૫
તારી ઉત્પતિના દિવસથી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તારું આચરણ નિષ્કલંક હતું.
૧૬
તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
૧૭
તારા સૌદર્યને કારણે તારું મન ગર્વિષ્ઠ થયું હતું; તારા વૈભવને કારણે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કરી નાખ્યો છે! બીજા રાજાઓ તને જુએ માટે મેં તને તેઓની આગળ બેસાડ્યો છે.
૧૮
તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.
૧૯
જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options