Skip to content
પુનર્નિયમ ૨૮:૩૬-૬૦

પુનર્નિયમ ૨૮:૩૬-૬૦

૩૬
જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.
૩૭
જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
૩૮
તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.
૩૯
તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
૪૦
તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
૪૧
તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
૪૨
તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
૪૩
તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.
૪૪
તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
૪૫
તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.
૪૬
આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.
૪૭
જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ,
૪૮
માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.
૪૯
યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;
૫૦
તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે.
૫૧
તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.
૫૨
તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે.
૫૩
જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.
૫૪
તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે.
૫૫
જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.
૫૬
તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે,
૫૭
પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે.
૫૮
યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો,
૫૯
તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.
૬૦
મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options