Skip to content
પુનર્નિયમ ૨૮:૧૯-૪૩

પુનર્નિયમ ૨૮:૧૯-૪૩

૧૯
તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
૨૦
જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.
૨૧
જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.
૨૨
યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.
૨૩
તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે.
૨૪
તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.
૨૫
યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.
૨૬
અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.
૨૭
મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.
૨૮
પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે.
૨૯
અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
૩૦
તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.
૩૧
તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.
૩૨
તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.
૩૩
જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.
૩૪
અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો.
૩૫
તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.
૩૬
જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.
૩૭
જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
૩૮
તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.
૩૯
તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
૪૦
તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
૪૧
તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
૪૨
તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
૪૩
તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options