પુનર્નિયમ ૨૮:૧૫-૪૮
૧૫
¶ યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
૧૬
¶ તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
૧૭
તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
૧૮
¶ તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.
૧૯
તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
૨૦
¶ જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.
૨૧
જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.
૨૨
¶ યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.
૨૩
તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે.
૨૪
તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.
૨૫
¶ યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.
૨૬
અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.
૨૭
¶ મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.
૨૮
પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે.
૨૯
અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
૩૦
¶ તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.
૩૧
તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.
૩૨
¶ તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.
૩૩
¶ જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.
૩૪
અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો.
૩૫
તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.
૩૬
¶ જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.
૩૭
જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
૩૮
¶ તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.
૩૯
તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
૪૦
¶ તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
૪૧
તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
૪૨
¶ તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
૪૩
તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.
૪૪
તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
૪૫
¶ તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.
૪૬
આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.
૪૭
¶ જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ,
૪૮
માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.
Settings