Skip to content
2 કાળવ્રત્તાંત ૬:૧૪-૨૫

2 કાળવ્રત્તાંત ૬:૧૪-૨૫

૧૪
તેણે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;
૧૫
તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.
૧૬
હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, ‘જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.’
૧૭
હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.
૧૮
તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!
૧૯
તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
૨૦
રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
૨૧
તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
૨૨
જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
૨૩
ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
૨૪
જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
૨૫
ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options