Skip to content
1 શમુએલ ૨:૧૧-૨૧

1 શમુએલ ૨:૧૧-૨૧

૧૧
પછી એલ્કાના રામામાં પોતાને ઘરે ગયો. છોકરો એલી યાજકની આગળ ઈશ્વરની સેવા કરતો હતો.
૧૨
હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા.
૧૩
લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જયારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો અને જયારે માંસ બફાતું હોય ત્યારે યાજકનો ચાકર પોતાના હાથમાં ત્રણ અણીવાળું સાધન લઈને આવતો.
૧૪
તેના ઉપયોગ દ્વારા તવા, કડાઈ, દેગ, ઘડામાંથી જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારુ લેતો. જયારે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા ત્યારે તેઓ આ જ પ્રમાણે કરતા.
૧૫
વળી તેઓ ચરબીનું દહન કરે તે અગાઉ, યાજકનો ચાકર ત્યાં આવતો અને જે માણસ યજ્ઞ કરતો હોય તેને કહેતો, “યાજકને માટે શેકવાનું માંસ આપ; કેમ કે તે તારી પાસેથી બાફેલું નહિ, પણ ફક્ત કાચું માંસ સ્વીકારશે.”
૧૬
જો તે માણસ તેને એવું કહે, “તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે.” તો તે કહેતો કે, “ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ.”
૧૭
એ જુવાનોનું પાપ ઈશ્વર આગળ ઘણું મોટું હતું, કેમ કે તેઓ ઈશ્વરના અર્પણની અવગણના કરતા હતા.
૧૮
શમુએલ બાળપણમાં શણનો એફોદ પહેરીને ઈશ્વરની હજૂરમાં સેવા કરતો હતો.
૧૯
જયારે તેની માતા હાન્ના પોતાના પતિ સાથે વાર્ષિક બલિદાન ચઢાવવાને આવતી, ત્યારે તે તેને માટે નાનો ઝભ્ભો બનાવી દર વર્ષે લાવતી.
૨૦
એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને એલ્કાનાને કહ્યું, “તારી આ પત્ની દ્વારા ઈશ્વર તને અન્ય સંતાનો પણ આપો. કેમ કે તેણે ઈશ્વર સમક્ષ અર્પણ કર્યું છે.” ત્યાર પછી તેઓ પોતાને ઘરે પાછા ગયાં.
૨૧
ઈશ્વરે ફરીથી હાન્ના પર કૃપા કરી અને તે ગર્ભવતી થઈ. તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. તે દરમિયાન, બાળ શમુએલ ઈશ્વરની હજૂરમાં મોટો થતો ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options