1 રાજઓ ૮:૨૨-૪૦
૨૨
¶ સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા.
૨૩
તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.
૨૪
તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ.
૨૫
¶ હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, ‘મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.’
૨૬
હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.
૨૭
¶ પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!
૨૮
તેમ છતાં, હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતિ પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતિ તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે સાંભળો.
૨૯
¶ આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.’ તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો.
૩૦
તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.
૩૧
¶ જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે અને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે અને જો તે આવીને આ ભક્તિસ્થાનમાં તમારી વેદીની સમક્ષ સમ ખાય,
૩૨
તો તમે આકાશમાં સાંભળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો.
૩૩
¶ જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરવાને કારણે દુશ્મનોના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે અને આ ભક્તિસ્થાનમાં તમારી આગળ વિનંતી કરીને ક્ષમા માગે,
૩૪
તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
૩૫
¶ તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
૩૬
તો તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયલનાં પાપની ક્ષમા કરજો, જયારે તમે તેઓને ક્યા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો.
૩૭
¶ જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,
૩૮
જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોકો પોતપોતાના હૃદયના દુઃખ જાણીને જે કંઈ પ્રાર્થના તથા વિનંતિ કરે અને પોતાના હાથ આ ભક્તિસ્થાન તરફ ફેલાવે.
૩૯
¶ તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો; દરેક માણસનું હૃદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોનાં હૃદયો જાણો છો.
૪૦
જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.
Settings