1 કાળવ્રત્તાંત ૨૯:૯-૨૦
૯
તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.
૧૦
¶ સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાહની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
૧૧
યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવાહ રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
૧૨
¶ તમારાથી જ ધન અને પ્રતાપ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,
૧૩
હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
૧૪
¶ પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
૧૫
કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
૧૬
¶ યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.
૧૭
હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
૧૮
¶ હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.
૧૯
મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”
૨૦
¶ દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
Settings