લેવીય ૧૪:૨૧-૩૨
૨૧
¶ તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.
૨૨
તથા બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં, તે લાવી શકે તેમ હોય તે લાવવાં, તેઓમાંનું એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનીયાર્પણ માટે.
૨૩
આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.
૨૪
¶ પછી યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાહની સમક્ષ તે તેઓનું અર્પણ કરે.
૨૫
તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે.
૨૬
¶ પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું.
૨૭
અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું.
૨૮
¶ તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.
૨૯
તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું.
૩૦
¶ અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું,
૩૧
જેવું તે મેળવી શકે એવું, પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાહની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.
૩૨
કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે.”
Settings