Skip to content
યહોશુઆ ૭:૧૬-૨૬

યહોશુઆ ૭:૧૬-૨૬

૧૬
અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.
૧૭
તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.
૧૮
તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.
૧૯
ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના પ્રભુ યહોવાહની આગળ સાચું બોલ અને તેમની સ્તુતિ કર. તેં જે કર્યું છે તે હવે મને કહે. મારાથી કશું છાનું રાખીશ નહી.”
૨૦
અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:
૨૧
લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે.”
૨૨
યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી.”
૨૩
અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.
૨૪
અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.
૨૫
પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.
૨૬
અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોરની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options