યશાયા ૩૮:૧-૮
૧
¶ તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”
૨
ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી.
૩
તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.
૪
¶ પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે,
૫
“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.
૬
હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.
૭
¶ અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે:
૮
જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.
Settings