ઊત્પત્તિ ૪૭:૧૩-૨૨
૧૩
¶ હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
૧૪
લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
૧૫
¶ જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.”
૧૬
યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.”
૧૭
તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
૧૮
¶ જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી.
૧૯
તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”
૨૦
¶ તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
૨૧
તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.
૨૨
ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings