હઝકિયેલ ૧૨:૧-૧૨
૧
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨
“હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
૩
¶ તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.
૪
¶ તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.
૫
તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.
૬
તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
૭
¶ તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
૮
¶ સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૯
“હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’
૧૦
તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”
૧૧
¶ તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.
૧૨
તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.
Settings