અગ્નિ વેરવાની આજ્ઞા
૧
¶ પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.
૨
પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.
૩
¶ તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું.
૪
પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.
૫
કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.
૬
¶ જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
૭
કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
Settings