Skip to content
નિર્ગમન ૩૪:૧-૧૦

નિર્ગમન ૩૪:૧-૧૦

યહોવાહે મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.
તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો.
યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું.
યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું.
હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું.”
મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”
૧૦
યહોવાહે કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options