નિર્ગમન ૩૦:૧-૨૧
૧
¶ ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
૨
આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.
૩
¶ વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
૪
એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
૫
¶ એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.
૬
દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
૭
¶ એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.
૮
અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.
૯
તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.
૧૦
¶ વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.
૧૧
¶ યહોવાહે મૂસાને કહ્યું,
૧૨
“તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.
૧૩
વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.
૧૪
વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.
૧૫
¶ મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.
૧૬
ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”
૧૭
¶ યહોવાહે મૂસાને કહ્યું,
૧૮
“હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.
૧૯
¶ હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.
૨૦
જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.
૨૧
તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”
Settings