Skip to content

ગીતશાસ્ત્ર૩૨

ક્ષમાનો આનંદ

૧
જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.
૨
જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.

અપરાધની કબૂલાતની વેદના અને રાહત

૩
જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
૪
કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
૫
મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ

ઈશ્વરમાં આશ્રય અને ઉદ્ધાર

૬
તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
૭
તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ

શિક્ષા, જ્ઞાન અને આનંદ

૮
કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
૯
ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
૧૦
દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
૧૧
હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options