Skip to content
ઊત્પત્તિ ૪૪:૧-૧૨

ઊત્પત્તિ ૪૪:૧-૧૨

યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”
કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.”
૧૦
કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”
૧૧
પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
૧૨
કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options