Skip to content
નિર્ગમન ૩૨:૧-૮

સોનાનું વાછરડું

નિર્ગમન ૩૨:૧-૮
જ્યારે લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતાં વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા અને તેને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માટે અમારે માટે દેવ બનાવ. કારણ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”
એટલે હારુને તેમને કહ્યું, “તમારી પત્નીઓના, તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની કડીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો.”
તેથી સર્વ લોકો પોતાના કાનોમાં સોનાની જે કડીઓ હતી તે કાઢીને હારુન પાસે લાવ્યા.
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”
હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાહના માનમાં ઉત્સવ પાળવામાં આવશે.”
બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનીયાર્પણ અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.
પછી યહોવાહે મૂસાને કહ્યું, “જા જલ્દીથી નીચે જા, કારણ કે તારા જે લોકોને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.
મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, ‘હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options